Pinki on Oct 27th 2007 12:46 pm
ફરી આજે,
ઢસડી મેં મારી જાતને,
મારી જ અદાલતના પિંજરામાં -
જરા વધુ કરડાકીથી પૂછ્યું,
“બોલ, શું ગુનો છે તારો, કબૂલ છે?”
પગના અંગૂઠાથી જમીન ખોતરતી હું એમ જ ઊભી રહી.
થોડી વારે, નીચી નજરે, દબાયેલા સૂરે બોલી,
“મને કંઈ નથી ખબર,
હું તો બસ-
“कर्मण्येवाधिकारस्तु मा फलेषु कदाचन् ”
અદાલતમાં સન્નાટો !!
અચાનક જ બ્રહ્મનાદ ગૂંજી ઉઠ્યો,
“सोड़हम् ! सोड़हम् ! सोड़हम् !”
૨૩.૧૦.૨૦૦૭, મંગળવાર, અમદાવાદ.
Filed in અછાંદસ | Comments (12)
Pinki on Oct 21st 2007 05:02 am
માણસ નામે વસ્તુ મનમાં વસતું
કેમેય કરીને લાવી એ વસાવ તું
છે આમ મોંઘી સસ્તી ના આંક તું
કાચો ન પડ ભાવ તો હવે કર તું
મળે જો વ્યાજબી તો જ લાવ તું
હવે એ મરજીથી તારી વાપર તું
થાકે જો વાપરીને તો એને માંજ તું
જાયે જો ઘસાઈ તો પછી એ ફેંક તું
ના તૂટ્યું! અરે! જોરર્થી ફરી ફેંક તું
તૂટ્યું, જો તૂટ્યું, હવે શું ના છોડ તું ?
૨૦.૧૦.૨૦૦૭, શનિવાર, અમદાવાદ.
Filed in પદ્ય | Comments (11)
Pinki on Oct 14th 2007 03:35 am
વરસોથી બંધ પડેલા મકાનની અધખુલ્લી બારીમાંથી ડોકાયું ‘ઘર’……..
લટકી રહેલાં જાળાંને પીંખી, સમયને આરપાર વીંધી,
નજરે કર્યો ‘ગૃહપ્રવેશ’-
લીંપ્યું-ગૂંપ્યું આંગણું ને રંગોળી વળી શું ?!!
શુભ-લાભ ને કુમકુમ કેરા સાથિયા ભૂંસાયા સહુ ચોઘડિયે ‘ચલ’ !!
સૂની દિવાલો પર લટકતી હતી ખીંટીઓ ને
બંધ હિંચકા પર ઝૂલતાં’તા,- છાપું, ચશ્મા અને લાકડી ;
તૂટેલા શંખે ફૂંક્યો આરતીનો નાદ,
અને રણકી ઊઠ્યાં , માની બંગડીના તૂટેલા કાચ;
વેરવિખેર રમકડામાંથી પા પા પગલી કરતું આવ્યું બચપણ;
અચાનક ખભે હાથ મૂકી એણે પૂછ્યું ,“શોધે કયું સગપણ?”
સાથે વીતાવેલી કો’ક રળિયામણી સાંજને યાદ કરતાં,
રોજની જેમ જ ઘડિયાળ પર કરી નજર…….!!
બંધ પડેલી ઘડિયાળનાં અટકેલા કાંટામાં-
જતી રહી કો’ક પળ, ને
વરસોથી હતું જે ‘મારું ઘર’ બની ગયું ‘મકાન’……….. !!
૧૩.૧૦.૨૦૦૭, શનિવાર, અમદાવાદ.
શબ્દાર્થ :
ચલ - ચોઘડિયું
ચલ - જતા રહેવું
Filed in અછાંદસ | Comments (15)
Pinki on Oct 9th 2007 09:51 am

સમી સાંજે -
સૂર્યને સમાવતો,
મનના પડઘા ઘૂઘવતો,
સઘળાં આંસુને પીતો આ ખારો દરિયો……
અને એના
મોજાંની ભરતી-ઓટમાં અફળાતી યાદોમાં
ડૂબકી મારી શોધું હું,
મારા શમણાંનું કોઈ મોતી !!
૯.૧૦.૨૦૦૭, મંગળવાર, અમદાવાદ.
Filed in અછાંદસ | Comments (14)
Pinki on Oct 7th 2007 05:49 am
મેહુલો વરસ્યો ને આંખમાં ગુલાબ,મોગરો,ચંપો ઊગવા લાગ્યાં .
ઘરની પાસે જ નર્સરી છે તો પગ સીધા ત્યાં ઊપડ્યાં.
જાતજાતનાં અને ભાતભાતનાં છોડ - જાણે કુદરતે ફુલોની રંગોળી કરી.
કેટકેટલાંય છોડ,વેલા અને બોન્સાઈ ગાડીમાં સમાય એટલાં અને
ખિસ્સાને પોષાય એટલાં લઈને ઘરે આવી.
આવતાવેંત, પહેલાં તો જૂના છોડ અને પેલી મોગરાની વેલી….?!
અરે !! બે વર્ષ થવા આવ્યાં ફુલો જ નથી આવતાં એને ખોદી કાઢ્યાં.
અને આમ પણ લીમડો તો દિવાલ બનાવવામાં કાપી જ નાંખેલો.
ખાસ્સી જગ્યા થઈ ગઈ છે ત્યાં તો. બધાં નવા રોપા કાળજીપૂર્વક રોપી દીધાં,
અને ફુલોની રંગોળી જાણે મારા આંગણે રચાઈ ગઈ.
બસ,ચાર-છ મહિનામાં તો બધા હવાની લહરખીમાં સુગંધ બની ફેલાઈ જશે.
અને આ કેલેડિયમ તો એના લીલા-ગુલાબી રંગના પાંદડાઓથી
મારા બગીચાને ચાર ચાંદ લગાવી દેશે. ગુલાબ વિદેશી છે સુગંધ ના ગમે -
પણ રુપાળા તો ઘણા લાગશે.
બસ, શમણાં મનમા તો ખીલવા જ માંડેલા ………….
સાંજ થતાં સુધીમાં તો મારા બગીચાએ જાણે નવો જ
અવતાર ધારણ કર્યો. પતંગિયા, ચકલાં, કાબર બધાંયે
પોતાના નવા સાથીઓના આદર-સત્કારમાં લાગી ગયાં.
હું આ કાઢી નાંખેલા છોડને - અરે એ જ -
ગયા વર્ષે ન’તી લાવી ક્રોટોન ….. મને તો એમ કે,
કેવો ફૂલશે ફાલશે અને મારો બગીચો ભર્યો ભર્યો થઈ જશે !!
પણ જીવાત લાગી ગઈ લાગે છે તો કાઢી નાંખ્યો.
પેલી મોગરાની વેલીની જેમ જ………..
પણ મોગરો,ક્રોટોન,લીમડો બધાંયે હસે છે-
પેલા કેલેડિયમ, ગુલાબ અને બોન્સાઈને કહે છે,
“જોજે , બહુ વિશ્વાસ ના કરતો આ માણસ જાતનો,
કદાચ આવતી સાલ તને પણ ફેંકી દેશે અમારી જેમ જ ………..!!!”
(વ્યક્તિના સંદર્ભમાં વિચારીએ તો- ?!!)
૭.૧૦.૨૦૦૭, રવિવાર, અમદાવાદ.
Filed in ગદ્ય | Comments (2)