બગીચો

Pinki on Oct 7th 2007 05:49 am

મેહુલો વરસ્યો ને આંખમાં ગુલાબ,મોગરો,ચંપો ઊગવા લાગ્યાં . 
ઘરની પાસે જ નર્સરી છે તો પગ સીધા ત્યાં ઊપડ્યાં.
જાતજાતનાં અને ભાતભાતનાં છોડ - જાણે કુદરતે ફુલોની રંગોળી કરી.
કેટકેટલાંય છોડ,વેલા અને બોન્સાઈ ગાડીમાં સમાય એટલાં અને
ખિસ્સાને પોષાય એટલાં લઈને ઘરે આવી.


આવતાવેંત, પહેલાં તો જૂના છોડ અને પેલી મોગરાની વેલી….?!
અરે !! બે વર્ષ થવા આવ્યાં ફુલો જ નથી આવતાં એને ખોદી કાઢ્યાં. 
અને આમ પણ લીમડો તો દિવાલ બનાવવામાં કાપી જ નાંખેલો.
ખાસ્સી જગ્યા થઈ ગઈ છે ત્યાં તો. બધાં નવા રોપા કાળજીપૂર્વક રોપી દીધાં,
અને ફુલોની રંગોળી જાણે મારા આંગણે રચાઈ ગઈ.
બસ,ચાર-છ મહિનામાં તો બધા હવાની લહરખીમાં સુગંધ બની ફેલાઈ જશે.
અને આ કેલેડિયમ તો એના લીલા-ગુલાબી રંગના પાંદડાઓથી
મારા બગીચાને ચાર ચાંદ લગાવી દેશે. ગુલાબ વિદેશી છે સુગંધ ના ગમે -
પણ રુપાળા તો ઘણા લાગશે.
બસ, શમણાં મનમા તો ખીલવા જ માંડેલા ………….
સાંજ થતાં સુધીમાં તો મારા બગીચાએ જાણે નવો જ
અવતાર ધારણ કર્યો. પતંગિયા, ચકલાં, કાબર બધાંયે
પોતાના નવા સાથીઓના આદર-સત્કારમાં લાગી ગયાં.

  
હું આ કાઢી નાંખેલા છોડને - અરે એ જ - 
ગયા વર્ષે ન’તી લાવી ક્રોટોન ….. મને તો એમ કે, 
કેવો ફૂલશે ફાલશે અને મારો બગીચો ભર્યો ભર્યો થઈ જશે !!
પણ જીવાત લાગી ગઈ લાગે છે તો કાઢી નાંખ્યો.
પેલી મોગરાની વેલીની જેમ જ………..

 
પણ મોગરો,ક્રોટોન,લીમડો બધાંયે હસે છે-
પેલા કેલેડિયમ, ગુલાબ અને બોન્સાઈને કહે છે,
“જોજે , બહુ વિશ્વાસ ના કરતો આ માણસ જાતનો,
કદાચ આવતી સાલ તને પણ ફેંકી દેશે અમારી જેમ જ ………..!!!”

 

(વ્યક્તિના સંદર્ભમાં વિચારીએ તો- ?!!)

૭.૧૦.૨૦૦૭,  રવિવાર,  અમદાવાદ.

Filed in ગદ્ય | Comments (2)

2 Responses to “બગીચો”

  1. સુરેશ જાનીon 07 Oct 2007 at 9:55 am

    પીન્કીબેન
    અમારો સાબરમતીવાસ યાદ કરાવી દીધો. અમે પંદર વરસ આવા બધા આંગણાંના પાડોશીઓની વચ્ચે રહ્યા છીએ.
    ના, માનવજાતને ઠપકો ન આપો. જુનાએ તો ગયો જ છુટકો. એ તો પ્રકૃતીનો ક્રમ છે. નીત્ય નુતનતા, નીત્ય નવું સર્જન અને નીત્ય વીસર્જન.
    આપણે ગયેલા જીવનને બહુ વ્હાલ કરીએ છીએ તે અનૈસર્ગીક છે.

    नष्टम् , मृतम्, अतिक्रान्तम् नानुशोचंति पण्डिताः

    જીવન જીવવાની રીત એક એ પણ છે કે,
    સવારે જન્મ , દીવસ દરમ્યાન પ્રવૃત્તી અને રાતે મોત. રોજ નવો જન્મ, રોજ નવું બાળપણ. જાણે એક જ દીવસ જીવવાનું છે, તેમ જ જીવવાનું.
    અને યાદ રહે કે માણસ સીવાયની સમગ્ર સૃશ્ટી આમ જ જીવે છે. આપણે જ કાંઈક વીશેશ આપણી જાતને માની બેઠા છીએ. અને વ્યથાઓ વહોરીએ છીએ.

  2. deepanjalion 08 Oct 2007 at 1:35 am

    I really liked ur post, thanx for sharing. Keep writing. I discovered a good site for bloggers check out this www.blogadda.com, you can submit your blog there, you can get more auidence.

Trackback URI | Comments RSS

Leave a Reply