વરસોથી બંધ પડેલા મકાનની અધખુલ્લી બારીમાંથી ડોકાયું ‘ઘર’……..
લટકી રહેલાં જાળાંને પીંખી, સમયને આરપાર વીંધી,
નજરે કર્યો ‘ગૃહપ્રવેશ’-
લીંપ્યું-ગૂંપ્યું આંગણું ને રંગોળી વળી શું ?!!
શુભ-લાભ ને કુમકુમ કેરા સાથિયા ભૂંસાયા સહુ ચોઘડિયે ‘ચલ’ !!
સૂની દિવાલો પર લટકતી હતી ખીંટીઓ ને
બંધ હિંચકા પર ઝૂલતાં’તા,- છાપું, ચશ્મા અને લાકડી ;
તૂટેલા શંખે ફૂંક્યો આરતીનો નાદ,
અને રણકી ઊઠ્યાં , માની બંગડીના તૂટેલા કાચ;
વેરવિખેર રમકડામાંથી પા પા પગલી કરતું આવ્યું બચપણ;
અચાનક ખભે હાથ મૂકી એણે પૂછ્યું ,“શોધે કયું સગપણ?”
સાથે વીતાવેલી કો’ક રળિયામણી સાંજને યાદ કરતાં,
રોજની જેમ જ ઘડિયાળ પર કરી નજર…….!!
બંધ પડેલી ઘડિયાળનાં અટકેલા કાંટામાં-
જતી રહી કો’ક પળ, ને
વરસોથી હતું જે ‘મારું ઘર’ બની ગયું ‘મકાન’……….. !!
૧૩.૧૦.૨૦૦૭, શનિવાર, અમદાવાદ.
શબ્દાર્થ :
ચલ - ચોઘડિયું
ચલ - જતા રહેવું