Pinki on Nov 2nd 2007 08:14 am

મધ્યાહ્ને સૂર્યનો વિરહાગ્નિ
થયો વધુ પ્રજ્જવલિત
અને પામવાને ધરા
ગયો ક્ષિતિજની ય પેલે પાર
પણ પામ્યો અસ્ત !!
વીતાવી હવે કેમ આ રાત ?
આવી પૂગ્યો વળી પડછાયો એનો ચંદ્ર બની
તારલા ગણી વીતાવી માંડ રાત
ઊગી ત્યાં એક નવી આશ-
થયો સૂર્યોદય !!
૨૨.૧૦.૨૦૦૭, સોમવાર, અમદાવાદ.
Filed in અછાંદસ | Comments (16)
Pinki on Oct 27th 2007 12:46 pm
ફરી આજે,
ઢસડી મેં મારી જાતને,
મારી જ અદાલતના પિંજરામાં -
જરા વધુ કરડાકીથી પૂછ્યું,
“બોલ, શું ગુનો છે તારો, કબૂલ છે?”
પગના અંગૂઠાથી જમીન ખોતરતી હું એમ જ ઊભી રહી.
થોડી વારે, નીચી નજરે, દબાયેલા સૂરે બોલી,
“મને કંઈ નથી ખબર,
હું તો બસ-
“कर्मण्येवाधिकारस्तु मा फलेषु कदाचन् ”
અદાલતમાં સન્નાટો !!
અચાનક જ બ્રહ્મનાદ ગૂંજી ઉઠ્યો,
“सोड़हम् ! सोड़हम् ! सोड़हम् !”
૨૩.૧૦.૨૦૦૭, મંગળવાર, અમદાવાદ.
Filed in અછાંદસ | Comments (12)
Pinki on Oct 14th 2007 03:35 am
વરસોથી બંધ પડેલા મકાનની અધખુલ્લી બારીમાંથી ડોકાયું ‘ઘર’……..
લટકી રહેલાં જાળાંને પીંખી, સમયને આરપાર વીંધી,
નજરે કર્યો ‘ગૃહપ્રવેશ’-
લીંપ્યું-ગૂંપ્યું આંગણું ને રંગોળી વળી શું ?!!
શુભ-લાભ ને કુમકુમ કેરા સાથિયા ભૂંસાયા સહુ ચોઘડિયે ‘ચલ’ !!
સૂની દિવાલો પર લટકતી હતી ખીંટીઓ ને
બંધ હિંચકા પર ઝૂલતાં’તા,- છાપું, ચશ્મા અને લાકડી ;
તૂટેલા શંખે ફૂંક્યો આરતીનો નાદ,
અને રણકી ઊઠ્યાં , માની બંગડીના તૂટેલા કાચ;
વેરવિખેર રમકડામાંથી પા પા પગલી કરતું આવ્યું બચપણ;
અચાનક ખભે હાથ મૂકી એણે પૂછ્યું ,“શોધે કયું સગપણ?”
સાથે વીતાવેલી કો’ક રળિયામણી સાંજને યાદ કરતાં,
રોજની જેમ જ ઘડિયાળ પર કરી નજર…….!!
બંધ પડેલી ઘડિયાળનાં અટકેલા કાંટામાં-
જતી રહી કો’ક પળ, ને
વરસોથી હતું જે ‘મારું ઘર’ બની ગયું ‘મકાન’……….. !!
૧૩.૧૦.૨૦૦૭, શનિવાર, અમદાવાદ.
શબ્દાર્થ :
ચલ – ચોઘડિયું
ચલ – જતા રહેવું
Filed in અછાંદસ | Comments (15)
Pinki on Oct 9th 2007 09:51 am

સમી સાંજે -
સૂર્યને સમાવતો,
મનના પડઘા ઘૂઘવતો,
સઘળાં આંસુને પીતો આ ખારો દરિયો……
અને એના
મોજાંની ભરતી-ઓટમાં અફળાતી યાદોમાં
ડૂબકી મારી શોધું હું,
મારા શમણાંનું કોઈ મોતી !!
૯.૧૦.૨૦૦૭, મંગળવાર, અમદાવાદ.
Filed in અછાંદસ | Comments (14)
Pinki on Sep 28th 2007 03:14 am
જિંદગી
થઇ ગઇ પસાર,
સ્પર્શી હૃદયને-
થોડુંક છોલાયું,
થોડુંક ઘવાયું,
વળી જૂનાં બે-ત્રણ જખમ
પણ ધબકે છે ! !
૨૨.૯.૨૦૦૭, શનિવાર, અમદાવાદ.
Filed in અછાંદસ | Comments (4)
Pinki on Sep 23rd 2007 11:03 am
ઘરના ઊંબરે
વાગી ઠોકરને
મંદિરના ઓટલે-
તરછોડાયેલી મા
બોલી ઊઠી
“સાચવીને દીકરા!!”
૨૧.૯.૨૦૦૭, શુક્રવાર, અમદાવાદ.
Filed in અછાંદસ | Comments (6)
Pinki on Sep 5th 2007 12:22 pm
સૂવા દે એને આ કાળમીંઢ પથ્થરો નીચે
કારણ એ જાગશે તો-
જાણી જશે કે,
એનાં અસ્થિ-વિસર્જનની સાથે જ,
‘સત્યનાં પ્રયોગો’નું પણ વિસર્જન થઇ ચૂક્યું છે.
એ જાણી જશે
એની જન્મતિથિ-પુણ્યતિથિ પર
એકઠાં થતાં એ શ્વેત ખાદી વસ્ત્રોધારી
નેતાઓનું રાજકારણ પણ
અને પછી રોજે રોજ સળગશે એ,
એની સમાધિ પર પ્રજ્વલ્લિત અખંડ જ્યોત સમ…..
ગોડસે પણ બોલી ઉઠશે કે,
‘હે રામ!’ આ ગાંધી મને ક્યાં નડતો હતો ?!!
૩૧.૮.૨૦૦૭, શુક્રવાર, દિલ્હી.
Filed in અછાંદસ | Comments (8)
Pinki on Aug 26th 2007 12:09 am
પેલાં કાબર,ચકલાં,પોપટ,હોલો
અને મારી કોયલ પણ-
તદ્…ન નિર્મોહી, નિ:સ્પૃહી થઇ,
લીમડાની સંગતે રોજ જમાવે છે-
સંગીતની મહેફિલ……..
કદાચ,એમને ખબર નથી.
મારા ગુલમહોરને-
પણ ફૂટી છે, કુણી કુણી કૂંપળ,
લીલીછમ કાચ જેવી…..
૨૪.૮.૨૦૦૭, શુક્રવાર, અમદાવાદ.
Filed in અછાંદસ | Comments (0)
Pinki on Aug 24th 2007 03:21 am
“ખાલી જગ્યા પૂરો.”
કૌંસમાં ક્યારેક તો મળે એવો વિકલ્પ,
કે વિરોધાર્થી નહિંને સમાનાર્થી હોય.
તફાવતનાં મુદ્દા તો ઘણાં-
ક્યારેક જોડકાં પણ,
આડાઅવળાં નહિં સીધેસીધાં મળે.
ટૂંકનોંધમાં લખું નિબંધ અને
નિબંધમાં લખું ટૂંકસાર.
ગણિતનું પેપર છોડી દઉંને,
વિજ્ઞાનમાં કરું નવી શોધો.
ભમું ભૂગોળનાં નકશા- દોરવાને બદલે,
રચું નવો ઇતિહાસ- ગોખવાને બદલે.
હું જ લખું ને હું જ તપાસું ઉત્તરવહી,
રહી તટસ્થ,
કે ખુદા પણ કરે સહી.
૨૧.૮.૨૦૦૭, મંગળવાર, અમદાવાદ.
હરપળ જિઁદગી એક કસોટી લઇને આવે છે,
અને પછી ઝુરે છે માત્ર ખાલીપો………..
પ્રશ્નપત્રમાં,
“ખાલી જગ્યા પૂરો” માં,
કૌંસમાં વિકલ્પ પણ હોય છે.
પણ જિઁદગીનાં પ્રશ્નપત્રમાં વિકલ્પ ક્યારેય નથી હોતા,
અને કોઇ તર્ક પણ……
બસ, હોય છે માત્ર અને માત્ર ખુદાની સહી.
એ જ પરિક્ષક. એ જ નિરિક્ષક. એ જ શુભેચ્છક?!!
Filed in અછાંદસ | Comments (3)
Pinki on Aug 18th 2007 11:43 pm
ડાળે ડાળ ટહુકતી નિરખી કોયલને,
અને કોયલ પણ ખીલતી,
ગુલમહોરનાં રક્તવર્ણાં કેસરી પુષ્પો સંગ.
છેડતી કોયલ તાર સપ્તકનો સૂર ,
અને પછી તો-
પોપટ,ચકલાં,કાબર,હોલો બધાં
મચી પડતાં મેળવવા એનો સૂર
જે જામે પછી સંગીતની મહેફિલ……….
હરખાતી મનીપ્લાન્ટની વેલ,
શરમાતી શરમાતી વીંટળાઇ જતી ગુલમહોરને.
પવનનો સૂસવાટો આવ્યોને, બારીનો પડદો ઊડ્યો.
હું, મારી કોયલ, મારો ગુલમહોર
બધુંયે કડડડ ભૂસ……..
કોઇએ ગુલમહોર કાપી નાંખ્યો.
છે બસ હવે માત્ર ઠૂંઠૂં.
ચકલાં,કાબર,પોપટ,હોલો – સૌનાં માળાની જેમ,
મારો વ્હાલનો માળો પણ પીંખાઇ ગયો.
બધાં કહે છે સરસ અજવાળું થઇ ગયું અને
મચ્છરો પણ ઓછાં થશે.
દૂર દૂર ક્યાંકથી કોયલનાં ટહુકા સંભળાયા………
કદાચ ગુલમહોરને યાદ કરીને, કોને ખબર ??
(૪-૫ દિવસ પહેલાં જ Plantation Day હતો,
મેં અને મારા ઓમે એક ગુલમહોર વાવ્યો છે,
ક્યા…રે ઊગશે, કોને ખબર ?? )
Filed in અછાંદસ | Comments (2)