सोड़हम् !

Pinki on Oct 27th 2007 12:46 pm

ફરી આજે,

ઢસડી મેં મારી જાતને,

મારી જ અદાલતના પિંજરામાં -

જરા વધુ કરડાકીથી પૂછ્યું,

“બોલ, શું ગુનો છે તારો, કબૂલ છે?”

પગના અંગૂઠાથી જમીન ખોતરતી  હું એમ જ ઊભી રહી.

થોડી વારે, નીચી નજરે, દબાયેલા સૂરે બોલી,

“મને કંઈ નથી ખબર,

હું તો બસ-

“कर्मण्येवाधिकारस्तु मा फलेषु कदाचन् ”

અદાલતમાં સન્નાટો !!

અચાનક જ બ્રહ્મનાદ ગૂંજી ઉઠ્યો,

“सोड़हम् ! सोड़हम् ! सोड़हम् !”

૨૩.૧૦.૨૦૦૭,   મંગળવાર,  અમદાવાદ.

Filed in અછાંદસ | Comments (12)

માણસ નામે વસ્તુ

Pinki on Oct 21st 2007 05:02 am

માણસ નામે વસ્તુ મનમાં  વસતું
કેમેય કરીને લાવી એ વસાવ તું

છે આમ મોંઘી સસ્તી ના આંક તું
કાચો ન પડ ભાવ તો હવે કર તું

મળે જો વ્યાજબી તો જ લાવ તું
હવે એ મરજીથી તારી વાપર તું
 
થાકે જો વાપરીને તો એને માંજ તું
જાયે જો ઘસાઈ તો પછી એ ફેંક તું

ના તૂટ્યું!  અરે!  જોરર્થી ફરી ફેંક તું
તૂટ્યું, જો તૂટ્યું, હવે શું ના છોડ તું ?

૨૦.૧૦.૨૦૦૭,   શનિવાર,   અમદાવાદ.

Filed in પદ્ય | Comments (11)

મારું ઘર

Pinki on Oct 14th 2007 03:35 am

વરસોથી બંધ પડેલા મકાનની અધખુલ્લી બારીમાંથી ડોકાયું ‘ઘર’……..

લટકી રહેલાં જાળાંને પીંખી, સમયને આરપાર વીંધી,

નજરે કર્યો ‘ગૃહપ્રવેશ’-

લીંપ્યું-ગૂંપ્યું આંગણું ને રંગોળી વળી શું ?!!

શુભ-લાભ ને કુમકુમ કેરા સાથિયા ભૂંસાયા સહુ ચોઘડિયે ‘ચલ’ !!

સૂની દિવાલો પર લટકતી હતી ખીંટીઓ ને

બંધ હિંચકા પર ઝૂલતાં’તા,- છાપું, ચશ્મા અને લાકડી ;

તૂટેલા શંખે ફૂંક્યો આરતીનો નાદ,

અને રણકી ઊઠ્યાં , માની બંગડીના તૂટેલા કાચ;

વેરવિખેર રમકડામાંથી પા પા પગલી કરતું આવ્યું બચપણ;

અચાનક ખભે હાથ મૂકી એણે પૂછ્યું ,“શોધે કયું સગપણ?”

સાથે વીતાવેલી કો’ક રળિયામણી સાંજને યાદ કરતાં,

રોજની જેમ જ ઘડિયાળ પર કરી નજર…….!!

બંધ પડેલી ઘડિયાળનાં અટકેલા કાંટામાં-

જતી રહી કો’ક પળ, ને

વરસોથી હતું જે ‘મારું ઘર’ બની ગયું ‘મકાન’……….. !!

 

૧૩.૧૦.૨૦૦૭,    શનિવાર,    અમદાવાદ.

શબ્દાર્થ :
ચલ – ચોઘડિયું
ચલ – જતા રહેવું

 

Filed in અછાંદસ | Comments (15)

દરિયો અને હું

Pinki on Oct 9th 2007 09:51 am

     seashore-5-3.jpg

 

સમી સાંજે -

સૂર્યને સમાવતો,

મનના પડઘા ઘૂઘવતો,

સઘળાં આંસુને પીતો આ ખારો દરિયો……

અને એના

મોજાંની ભરતી-ઓટમાં અફળાતી યાદોમાં

ડૂબકી મારી શોધું હું,

મારા શમણાંનું કોઈ મોતી !!

 

૯.૧૦.૨૦૦૭,   મંગળવાર,  અમદાવાદ.

 

 

Filed in અછાંદસ | Comments (14)

બગીચો

Pinki on Oct 7th 2007 05:49 am

મેહુલો વરસ્યો ને આંખમાં ગુલાબ,મોગરો,ચંપો ઊગવા લાગ્યાં . 
ઘરની પાસે જ નર્સરી છે તો પગ સીધા ત્યાં ઊપડ્યાં.
જાતજાતનાં અને ભાતભાતનાં છોડ – જાણે કુદરતે ફુલોની રંગોળી કરી.
કેટકેટલાંય છોડ,વેલા અને બોન્સાઈ ગાડીમાં સમાય એટલાં અને
ખિસ્સાને પોષાય એટલાં લઈને ઘરે આવી.


આવતાવેંત, પહેલાં તો જૂના છોડ અને પેલી મોગરાની વેલી….?!
અરે !! બે વર્ષ થવા આવ્યાં ફુલો જ નથી આવતાં એને ખોદી કાઢ્યાં. 
અને આમ પણ લીમડો તો દિવાલ બનાવવામાં કાપી જ નાંખેલો.
ખાસ્સી જગ્યા થઈ ગઈ છે ત્યાં તો. બધાં નવા રોપા કાળજીપૂર્વક રોપી દીધાં,
અને ફુલોની રંગોળી જાણે મારા આંગણે રચાઈ ગઈ.
બસ,ચાર-છ મહિનામાં તો બધા હવાની લહરખીમાં સુગંધ બની ફેલાઈ જશે.
અને આ કેલેડિયમ તો એના લીલા-ગુલાબી રંગના પાંદડાઓથી
મારા બગીચાને ચાર ચાંદ લગાવી દેશે. ગુલાબ વિદેશી છે સુગંધ ના ગમે -
પણ રુપાળા તો ઘણા લાગશે.
બસ, શમણાં મનમા તો ખીલવા જ માંડેલા ………….
સાંજ થતાં સુધીમાં તો મારા બગીચાએ જાણે નવો જ
અવતાર ધારણ કર્યો. પતંગિયા, ચકલાં, કાબર બધાંયે
પોતાના નવા સાથીઓના આદર-સત્કારમાં લાગી ગયાં.

  
હું આ કાઢી નાંખેલા છોડને – અરે એ જ - 
ગયા વર્ષે ન’તી લાવી ક્રોટોન ….. મને તો એમ કે, 
કેવો ફૂલશે ફાલશે અને મારો બગીચો ભર્યો ભર્યો થઈ જશે !!
પણ જીવાત લાગી ગઈ લાગે છે તો કાઢી નાંખ્યો.
પેલી મોગરાની વેલીની જેમ જ………..

 
પણ મોગરો,ક્રોટોન,લીમડો બધાંયે હસે છે-
પેલા કેલેડિયમ, ગુલાબ અને બોન્સાઈને કહે છે,
“જોજે , બહુ વિશ્વાસ ના કરતો આ માણસ જાતનો,
કદાચ આવતી સાલ તને પણ ફેંકી દેશે અમારી જેમ જ ………..!!!”

 

(વ્યક્તિના સંદર્ભમાં વિચારીએ તો- ?!!)

૭.૧૦.૨૦૦૭,  રવિવાર,  અમદાવાદ.

Filed in ગદ્ય | Comments (2)

ગાંધીજીનું પૂતળું

Pinki on Sep 30th 2007 10:57 pm

ગાંધીજીના ત્રણ વાંદરા હતા અવઢવમાં,
આખરે આંખ ખોલીને વાંદરો બોલ્યો,
“ભાઇ, આ જમાનામાં કદી કોઇનું જોવું નહિં !!”

બીજો વાંદરો, તરત મોં પરથી હાથ લઇને બોલ્યો,
“હા,ભાઇ  અને કદી કોઇને કંઇ કહેવું પણ નહિં .”

ત્રીજો વાંદરો કાન પરથી હાથ ખસેડી બોલ્યો,
“સાવ સાચી વાત, કદી કોઇનું સાંભળવું (માનવું) નહિં .”

ગાંધીજીના પૂતળાએ, જોરથી હોઠ ભીડી,
કાન પર હાથ મૂકી, કાયમ માટે આંખો મીંચી દીધી……..!!!

૨૦.૯.૨૦૦૭,  ગુરુવાર,   અમદાવાદ.

Filed in ગદ્ય, વિશેષ | Comments (7)

સ્પર્શ!!

Pinki on Sep 28th 2007 03:14 am

જિંદગી

થઇ ગઇ પસાર,

સ્પર્શી હૃદયને-

થોડુંક છોલાયું,

થોડુંક ઘવાયું,

વળી જૂનાં બે-ત્રણ જખમ

પણ ધબકે છે ! !

 

૨૨.૯.૨૦૦૭,  શનિવાર,  અમદાવાદ.

Filed in અછાંદસ | Comments (4)

મહાસંમેલન થશે જ !!

Pinki on Sep 26th 2007 04:02 am

દિસે અરુણું પ્રભાત; જય જય ગરવી ગુજરાત !

એક દિવસ પિંકી બહેનને વહેલી સુપ્રભાતે સુવિચાર આવ્યો અને એમનાથી પ્રગટ થતાં થઈ ગયો. એ વિચાર કોઈ એક જગ્યાનો ન રહેતાં પછી તો ઘણાંનો બની ગયો. આ બધું જોતજોતાંમાં બની ગયું, જાણે કોઈએ જમીનમાં બીજ વાવ્યું વાવ્યું ને મબલક અંકુરો ફૂટી નીકળ્યા ! અને એમાંથી જ એક સંમેલનની વાતે આકાર પકડ્યો..

તાત્કાલિક મળવા સૌએ તત્પરતા બતાવી અને તારીખ નક્કી કરવામાં સૌ પડ્યાં ત્યાં જુ.કાકાએ અનુભવનો આધાર લઈને  હળવેકથી વાતને જરા પાટે ચડાવતાં કહ્યું કે સંમિલન તાત્કાલિક અને એજન્ડા વગરનું કરવું હોય તો સૌને ઈ-મેઈલ મોકલીને જાણ કરી શકાય અને તાત્કાલિક ભેળાં પણ થઈ શકાય. પરંતુ હેતુપુર:સર અને કોઈ નક્કર પરિણામની આશા સાથે મળવું હોય તો અવશ્ય ઉતાવળે ન જ કરવું જોઈએ. ઉપરાંત વિદેશથી આવનારાંની અપેક્ષાઓનોય વિચાર કરવો જોઈએ. અને એટલે જ બધી જ વ્યવસ્થા કરવા માટે કે જેમાં સમય, સ્થળ, સંખ્યા, બજેટ અને કામની વહેંચણી  મહત્ત્વની  છે તે બાબતે થઈને પણ પ્રથમ તો કાર્યવાહક સમિતિ જેવી રચના કરીને તેઓ મળે એવી વાત તેમણે મૂકી.  

એમની જ સૂચના મુજબ પછી તો : 

1] સંમિલન માટેનો એજન્ડા, 2] કાર્ય વહેંચણી અને 3] બજેટની વિચારણા એ ત્રણ મુદ્દાઓ પર સૌથી પ્રથમ  વિચારણા કરવા સાવ નજીક નજીક રહેતાં સાથીઓને બોલાવીને ઉપરનાં ત્રણેય કામો હાથ ધરવાનું નકી થયું. એટલે પછી સંમિલનની પૂર્વ તૈયારી માટે આવા મર્યાદિત એજન્ડા સાથે સૌ મળે એમ નક્કી થયું. સુવિચાર મૂકનાર તરીકે પીંકી બહેનને જ હાલ તો કન્વીનર તરીકે  કાર્યભાર સંભાળવાની જવાબદારી ઉપાડી લેવાનો સ્નેહાગ્રહ થયો. એમણે છટકવા માટે ઘણા પ્રામાણિક પ્રયત્નો કર્યા પણ કંઈ ચાલ્યું નહીં. છેવટે… 

એમણે નિષ્ઠાપૂર્વક કામગીરી હાથ ધરીને  તાત્કાલિક નજીકની વ્યક્તિઓ અને જેમનો પ્રોત્સાહિત પ્રતિભાવ હતો તેમને સૌને મળવા બોલાવ્યાં; જયશ્રીબહેનને ભારત છોડવાનો દિવસ નજીક હોઈ એમની અનુકુળતાને ધ્યાને લઈ તા.23મી સપ્ટેમ્બર રવિવારે મળવા સૌને કહેણ મોકલી દેવાયાં અને સૌએ આ( ઐતિહાસિક કહેવી હોય તો કહી શકાય એવી) મીટીંગને વધાવી લીધી એટલું જ નહીં શોભાવી પણ દીધી !!  

મીટીગની તારીખના આગળના દિવસે જ શુભેચ્છા-સંદેશાઓનો પ્રવાહ વહ્યો હતો ! ઉર્મીબહેન જેવાંએ તો વહેલી સવારના પહોરમાં જ પોતાની હાજરી મીટીંગમાં પૂરી લેવા કહ્યું અને ખબર પડી કે નાસ્તો વગેરે પણ છે ત્યારે પોતાના વતી એ ગળે ઉતારવા ભલામણ પણ કરી !  

જુ.ભાઈના પુત્ર મનનભાઈની ઓફિસે અત્યંત ઉત્સાહમાં સૌ ભેળાં થયાં. 12.30 વાગે આવવાનું શરુ કરીને થોડી જ વારમાં સૌ એકઠાં થઈ ગયાં. આ સૌને ફોટામાં જોઈ શકાશે; (કેવાં લાગે છે એ તો તમે સૌ જાણો !) એમનાં નામો  નીચે આપેલા છે   

સૌથી પહેલાં તો સૌએ એકબીજાનાં મુખારવિંદ જ જોયાં ! દરેકની રચનાઓથી તો સૌ પરિચિત જ હતાં પણ દરેકનાં મુખારવિંદને નામે  કહેવું હોય તો,  અમુકને બાદ કરતાં પહેલી વાર જ સામે આવતાં હતાં  ! જેવાં નામ ઉચ્ચારાતાં ગયાં તેમ તેમ સૌ એક નવી જ અનુભૂતિ કરતાં ગયાં ! પછી તો બે રાઉંડમાં પરિચય કરીને એકબીજાને સૌ મળ્યાં, કારણ કે આજે તો કાર્યવહેંચણી પણ કરવાની હતી ને !

ચર્ચાને થોડી થોડી વારે રોકવી પડતી હતી કારણ સુરત-વડોદરાથી આવનારાં પણ હતાં. અને સમય ઉત્સાહના વાતાવરણમાં વહી જઈ રહ્યો હતો…
આ ચર્ચાઓમાં જે બાબતો આવી તેમાં :

1]  ગુજરાતી અને હિન્દીની લિપિ અંગે,

2]  મૌલિક સર્જન અને સંકલન-સંપાદનરુપ લખાણો અંગે;

3]  છંદો અને અછાંદસ રચનાઓ અંગે;

4]  રચનાઓને પ્રોત્સાહન આપીને પ્રકાશિત કરવા માટે અને એ રીતે સતત ગુજરાતીમાં સાચું લખાય તે અંગે;

5]  કેટલાક બ્લોગ્સ  દ્વારા ભવિષ્યમાં હાથ પર  લેવાનારા પ્રોજેક્ટ્સ અંગે;

6]  ઈંટરનેટ પરનાં લખાણોમાંના પ્રશ્નો અંગે;

7]  ગઝલ અને તેનાં ગાયકોનો સંપર્ક કરીને તેમનો પણ લાભ લેતા રહેવા અંગે અને

8]  ખાસ તો હવેથી નિયમિત મળતા રહેવા અંગે……લંબાણ અને ભાવપૂર્વક ચર્ચાઓ થતી રહી.  ક્યારેક તો એને અટકાવવી પણ પડે એવો રસ ( એને rush કહીશું ?) ઉભો થયો હતો. ( શેતરંજી જેમની હતી તે ઓફિસવાળાઓને તો જરાય ચિંતા ન હતી, મીટીંગના સમય બાબતે, પણ આજનો એજંડા તો સાચવવો જ પડે  એનું શું ?! છેવટ વળી વળીને સૌ મૂળ વિષય પર આવતાં હતાં એટલે છેવટે સમય સાચવીને આવનારા સંમિલનની પૂર્વ તૈયારી રૂપ એજન્ડા અને કાર્યવહેંચણીને આગળ કરીને આ પ્રમાણે નક્કી કર્યું :  

1]  સંમિલનનું સ્થળ કોઈ પણ સ્થળે રાખી શકાય; અમદાવાદનું આમંત્રણ તો હતું જ એટલે એને તો હાથ પર રાખવું. એ માટેની જગ્યા અંગે સંખ્યાનો અડસટ્ટો મળે તે અનુસાર વ્યવસ્થા કરવી.

2]  તારીખ નક્કી કરવાની ઉતાવળ ન કરવી પણ સંમિલન અંગે વધુમાં વધુ પ્રસિદ્ધી આપીને વિશ્વભરમાંથી દેશમાં આવનારાંઓની વધુમાં વધુ સંખ્યા હોય એ દિવસો નક્કી કરવાનું વિચારાયું.

3]  એજન્ડા અંગે થોડી ચર્ચા થઈ જેમાં ભાષા/સાહિત્ય ઉપરાંત કાવ્યો-ગઝલો સાથે જોડાયેલા સુગમ સંગીતની વિચારણા અને સાંસ્કૃતિક બાબતોની વિચારણા વગેરે પણ ઉમેરાયાં.

પરંતુ છેવટે હાલ પૂરતું આ પ્રથમ સંમિલનમાં એજંડા રુપે ફક્ત નીચેના મુદ્દાઓ લેવા એમ વિચારાયું. 

પ્રથમ સંમેલનનો સૂચિત એજન્ડા :

(ક)  ઈન્ટરનેટ પર ગુજરાતી સાહિત્ય અને ભાષાની બાબત;

(ખ)  ગુજરાતી લેખન અને તેના અનુસંધાને આવતી કોમ્પ્યુટરની ટેકનીકલ મુશ્કેલીઓની બાબત તથા

(ગ)  જાણીતા બ્લોગર્સના અનુભવનો લાભ સૌને મળે  અને જે કંઈ  પ્રશ્નો હોય તે અંગે  સંમેલનમાં ચર્ચા કરવી, નિરાકરણ માટે મથવુ.  

એ રીતે  “ઈન્ટરનેટને માધ્યમ બનાવીને ગુજરાતી ભાષા/સાહિત્ય”  પૂરતી   બાબતને જ પ્રથમ સંમિલનમાં હાથ પર લેવી એવું નક્કી થયું. ગુજરાત અને ગુજરાતીઓ અંગે મર્યાદિત રીતે વિચારીએ નહીં તો સંમેલન માટે દિવસોના દિવસો ઓછા પડે ! એટલે મર્યાદા સમજીને વિષયનું આટલું ક્ષેત્ર સાંકડવું પડ્યું હતું. 

[ આ સંમેલનમાં કોઈ પણ વિવાદાસ્પદ બાબતોને હાથ પર ન લેવી એવું પણ સર્વાનુમતે નક્કી થયું. ]  

4]   સંમિલનના સમગ્ર સંચાલન માટેની કાર્યવહેંચણીના મુદ્દે બહુ સહજતાથી એવું નક્કી થયું કે,

00  સંમિલન માટે હવે પછી  આવનારાં સંદેશાઓમાંથી જે કોઈ ગુજરાત માં કે બહાર રહીને પણ જે મદદ કરી શકે તેમની જે તે સેવાઓ લેવી;

00   અહીંનાં મિત્રો આજે હાજર છે તેઓ તથા અનિવાર્ય કારણે આવી શક્યાં નથી તેમને વિશેષ રુપે કાર્યો સોંપવાં;

00   આ સૌ સાથે સતત સંપર્કમાં રહી શકાય તે માટે હાજર સભ્યોનું એક અલગ ઈમેઈલ-ગ્રુપ બનાવવું જે ગ્રુપમાં સંમેલનને લગતી બધી જ બાબતોની નિખાલસ ચર્ચા થાય અને સૌ સભ્યોના અભિપ્રાયોને મેળવી એનું સંકલન કરી શકાય;

00   સમગ્ર ગ્રુપના વતી હાલ પૂરતું જવાબદારી કન્વીનર પિંકીબહેન પાસે રહે અને ભાવિનભાઈ તથા સરજીત અમીન  સહિતની કમીટી સંચાલન કરે.

00   હવે પછીના કાર્યક્રમો વગેરેની પ્રસિદ્ધીને લગતી કામગીરે નીલમબહેન સંભાળે તેવી વિનંતી કરાતાં તેમણે તે સ્વીકારી.

5]   બજેટની વાત તો સૌથી મહત્વની હતી. એવું નક્કી થયું કે સંમેલન પહેલાં સતત આ વાત સૌને યાદ કરાવતાં રહેવું અને ઉદાર હાથવાળાને એમાં જોડવા અને  સધ્ધર હોય તેવાઓને પ્રેરવા !  

સમય એટલો વહ્યો ગયો કે દૂરનાંઓએ અધવચ્ચે કમને રજા લેવી પડી .

બાકીના સમયમાં પાછાં સૌ વાતોમાં ખાબક્યાં. છેક 4.15 પછી જ સૌ છુટાં પડી શક્યાં. સૌએ અનુભવ કર્યો કે આપણે ક્યાં ક્યાંનાં રહેનારાં અને કઈ કઈ દિશા-પ્રવૃત્તિનાં વ્યસ્ત માનવો એક ગુજરાતી હોવાને નાતે ઈન્ટરનેટના માધ્યમથી શી રીતે ભેળાંઈ ગયાં !  આ ઈલેક્ટ્રોનિક માધ્યમે અને આપણી માતૃભાષાએ કેવાં આપણને મેળવી આપ્યાં છે ! તો પછી જ્યારે આ શક્ય બન્યું જ છે તો  એનો વધુ ને વધુ લાભ સૌ ગુજરાતીઓને અને આપણી ગુજરાતીને મળે તેવું કરવા તન-મન-ધનથી  લગે રહીએ !!  

નેટજગતપર ગુજરાતી ભાષાની વધુને વધુ સગવડો મેળવી આપવા માટે જેમણે સર્વ શક્તિથી દાયકાઓ સુધી સફળ પ્રયત્નો કર્યા છે તેવા માનનીય રતિકાકાને અહીં યાદ કરવામાં આવ્યા હતા. ઉપરાંત જેમણે બ્લોગ અંગેની અનેક પ્રકારે મદદ કરી છે તેવાં સૌને આભાર પૂર્વક સંભારવામાં આવ્યા હતા.

સૌનું ભાવપૂર્વક સ્વાગત કરનાર યજમાન મનનભાઈ અને એમના સ્ટાફનો સૌએ હૃદયપૂર્વક આભાર માન્યો  તથા જેઓ આવી શક્યાં નથી તેમને ખુબ ખુબ યાદ કર્યાં.( એમને યાદ કરતાં કરતાં નાસ્તો ગળે ઉતારવાનું ગમતું નહોતું પણ અન્નની કાંઈ અવમાનના થાય ?! એટલે પછી નાસ્તો અને પછી આઈસ્ક્રીમને પણ માન આપવું પડ્યું.)

આમ, આવનારાં મહાસંમેલનની એક મહત્ત્વની અને ભાવપૂર્ણ મીટીંગ સુંદર વાતાવરણમાં મળી અને અનેક અપેક્ષાઓ છતાં સફળતાની ખાત્રી સાથે પૂરી થઈ. આ સાથે મિટિંગના ફોટો  ZIP  કરેલા છે.

==================================================================

મીટીંગમાં હાજર સભ્યોની યાદી :
નીલમબેન દોશી (અમદાવાદ) – પરમ સમીપે
ડૉ.વિવેકભાઇ ટેલર (સુરત)  – શબ્દો છે શ્વાસ મારા અને અન્ય.
પીન્કી પાઠક (અમદાવાદ) – શબ્દશ:
મીનાબેન છેડા (મુંબઇ)- ઉત્કર્ષ
હરીશભાઇ દવે (અમદાવાદ) – મધુસંચય અને અન્ય.
જયશ્રીબેન ભક્તા (યુ.એસ.એ)- ટહુકો
જુગલકિશોરભાઇ વ્યાસ (અમદાવાદ) – શાણી વાણીનો શબદ અને અન્ય.
મંથનભાઇ ભાવસાર (અમદાવાદ)- ગુજરાતી ગઝલ
કિરીટભાઇ પરમાર (વડોદરા)- ડાયરીના પાનેથી
ભાવિનભાઇ ગોહિલ (અમદાવાદ) – શોધું છું એક આકાશ, ક્ષિતિજની પેલે પાર
સર્જિતભાઇ અમીન (અમદાવાદ) – તણખા
ગુંજનભાઇ ગાંધી (અમદાવાદ) – ગુજરાતી કવિતા – રસાસ્વાદ
કવિ રાવલ (અમદાવાદ) – More than words….
કોમલબેન પટેલ (અમદાવાદ)
શૈલ્યભાઇ શાહ (અમદાવાદ)
દર્શિતભાઇ દંતાણી (અમદાવાદ)

         

Filed in MEETING, વિશેષ | Comments (1)

Meeting : Part-2

Pinki on Sep 26th 2007 03:53 am

મિત્રો ,

આ તો ઊડતી નજરે જ

આપણે meeting ને જોઇએ  છીએ,

આંખે દેખ્યો અહેવાલ તો આપીશું જ………

તો આપણે સમોસા-ચટનીનો સ્વાદ માણી રહ્યા હતા, ખરુંને ?

ઊર્મિ કહે છે તો પહેલાં બધાનાં નામ જણાવી દઉં

જુ.કાકા, હરીશઅંકલ, નીલમઆંટી, મીનાબેન,વિવેકભાઇ,

કિરીટભાઇ,જયશ્રી, કોમલ, કવિ, ગુંજનભાઇ, ભાવિનભાઇ,

સર્જિત, મંથન, દર્શિત અને હું ………….

સાચું કહું તો,

એકબીજાને મળવાના આનંદના અતિરેકમાં ,

meeting નો મુખ્ય મુદ્દો તો જાણે ભૂલાઇ જ ગયેલો.

પછી જુ. કાકાએ ઘડિયાળ સામું જોઇ

આ મુદ્દા પર ચર્ચા શરુ કરી.

જેમાં મુખ્યત્વે સંમેલનમાં કોને બોલાવવા તેના

આધારે સંખ્યા નક્કી કરવી અને તે મુજબ,

બીજા કાર્ય નક્કી કરવા ……..

 ૧. સંખ્યા,
 ૨. તેના આધારે બજેટ
 ૩. fund  કેવી રીતે એકઠું કરવું
    (donation & advertisement)
 ૪. કાર્યકારી સમિતી રચવી.
 ૫. સંમેલનનો હેતુ -
     * blog-awareness
      *blogging ને લગતા technical પ્રશ્નો
     *ગુજરાતી ભાષાને લગતા પ્રશ્નો
  ૬. કામની વહેંચણી

વળી, એવું પણ ખરું કે ,

આ પરદેશી પંખીડા��” આવે તો

અમારા માટે તો ‘મહાસંમેલન’ ત્યારે તો મળીશું જ………

ભાવિનભાઇએ hobbies માં લખ્યું છે કે

ગાવાનો શોખ…. પણ ગાયું નહિ અને હાઆઆ……..

એમને પાછી એ પણ ખબર નથી કે,

એ married છે કે unmarried  (joking)

સાંભળવામાં ભૂલ કરી તો

નીલમઆંટીએ પૂછ્યું married છો ?

તો કહે ,  ખબર નહિં !!

અને અમને બધાંને ઘણાં હસાવ્યાં ……….!!

Sorry, Bhavinbhai……….. ખોટું ના લગાડતા પાછાં .

બરોડાથી આવેલા કિરીટભાઇ તો વળી મુનિઆશ્રમમાં

સરસ કામ કરે છે !!

દિલથી એ સૌ મહાનુભાવો કે જેણે computer worldમાં

ગુજરાતીને જીવંત રાખ્યું તેને યાદ કરી આભાર માન્યો.

રતિકાકા, ઉત્તમભાઇ, વિશાલભાઇ અને આપણા groupનાં

moderator ધવલભાઇ પણ ખરાં જેના વગર આપણે

સૌ મળી જ શક્યાં ના હોત !!

આ વિવેકભાઇ, ઉત્કર્ષવાળા મીનાબેન, કવિ, કોમલ,

ગુંજનભાઇ અંગત કારણોસર વહેલાં નીકળી ગયેલાં.

પણ ice-cream એમના વગર પીગળી ગયો હવે

સુરત આવીશ ત્યારે લેતી આવીશ વિવેકભાઇ, okk ?

હા, આ કવિ અને ગુંજનભાઇનો પણ પોતાનો blog

છે જેની link મળશે એટલે મોકલી આપીશ.

અંતે, હરીશ અંકલ અને જુ.કાકા ને meetingનો અહેવાલ

લખવાનું કહી, નીલમઆંટીને pressનું કામ સોંપી દીધું.
અને હા, મનનભાઇ કે જેમણે આપણને meeting માટે

જગ્યા ફાળવી અને ચા-નાસ્તાની પણ વ્યવસ્થા પણ

કરી તો એમનો આભાર કેમ માનવો એ જ ખબર નથી

કારણ એમના support વગર તો meeting શક્ય જ ના હતી.

તે��” શ્રી, આપણા જુ.કાકાના પુત્ર છે , અને કંઇ પણ કહું તો કહે છે

કે આ તો અમારી  ફરજમાં જ આવે !! તો

અંતઃકરણથી એમનો આભાર………

આ હતી ઊડતી નજર ,

આપણી meeting પર ………..

હવે આંખે દેખ્યો અહેવાલ ટૂંક સમયમાં ………

હું મારા વતી એટલું જ ઉમેરીશ કે,

વિવેકભાઇએ વાત-વાતમાં કહેલું કે,

કવિતા લખવાની શરૂઆત કરી ત્યારે ત્રણ ડાયરી��”

ભરી કાઢેલી તે હજુ પડી છે પસ્તીમાં ક્યાંક ………

તો અમે સૌ નવોદિતો ખરેખર ભાગ્યશાળી કે,

આ અમારી પસ્તીમાં મૂકવા લાયક ડાયરી��”ને તમે

માર્ગદર્શન આપી અમને પ્રોત્સાહન આપો છો…………..

કોઇ શિલ્પી શિલ્પને કોતરે છે

પણ ખોતરતો હોય છે દિલને અને

આપ સૌ અમ નવોદિતોનાં હકીમ સમાન છો

જે આ ખોતરેલા દિલ પર મલમ લગાવો છો

કદી મિત્ર બની, કદી વડીલ બની

કદી કડક શબ્દોમાં તો કદી મીઠા શબ્દોમાં

હું ને વિવેકભાઇ હમઉમ્ર પણ એમના શબ્દોમાં  હું

ઘણી નાની એમના કરતાં, કહેતાં ઉમેરે કે બ્લોગ જગતમાં !!

તો હજુ તો સવા મહિનાની જ થઇ હું તો !!

ભૂલચૂક માફ કરી આમ જ

પ્રેમ, સહકાર અને માર્ગદર્શન આપતા રહેશો ……….

વંદન સહ,

આપની જ પીન્કી પાઠક…………..

25.9.2007,  Tuesday,  Ahmedabad.

Filed in MEETING, વિશેષ | Comments (0)

Meeting : Part-1

Pinki on Sep 26th 2007 03:47 am

મિત્રો,

આપ સૌ આતુર હશો જ,

આપણી meeting વિશે જાણવા

પણ net problem હોવાથી msg

મુકી શકાયો નથી………

વિગતવાર  ફોટા સાથે મૂકીશું જ

પણ ઊડતી આંખે,

એક નજર……..

લિસ્ટ ઉપરાંત શ્રી હરીશભાઇ, ગુંજનભાઇ, શૈલ્યભાઇ,

મંથનભાઇની ઉપસ્થિતિ પણ હતી.

સૌએ પરિચયની ��”પચારિકતા પૂરી કરી,

blogging marketting વિશે વિચાર્યું.

technical point પર વધુ ભાર અપાયો.

copyright વિશે પણ ધ્યાન આપવામાં આવ્યું.

આ ઉપરાંત છંદ વિશે તો ચર્ચા થાય જ ……

લગભગ કલાકેક તો એકબીજાની સાથે ચર્ચા કરતા કરતા

એકબીજાને જાણતા ગયા……..

પછી yuuuuuuuuummy સમોસા-ચટની ખાધા.

સાથે વેફર્સ પણ ખરી !  ચા ને પણ ન્યાય આપી જ દીધો.

Don’t know about others but i remember u all

how can we share samosa with u ?!!

અને પછી ,

સંમેલન માટેના મુદ્દા વિચારવામાં આવ્યા અને

મારા મતે,

જુ.કાકાનું સૂચન ખૂબ જ યોગ્ય લાગ્યું કે

આ સંમેલન નેટ-જગત પૂરતું જ રાખવું.

અને સમય તો હવે નેટ જગત નો જ આવશે ગુજરાતીમાં પણ

તો જુ.કાકા કહયું એમ,

આપણા પાનાની તો પહોળાઇ જ હોય છે , લંબાઇ તો !!!

તો આપણા જ હાથ લાંબા રહે એવું જ ઇચ્છીએ.

જયશ્રી પણ ગુજરાતી સુગમ સંગીતના

નવોદિત ગાયકોને platform આપવા બાથ ભીડવાની છે.

વળી વિવેકભાઇએ પણ લિપિયાંતરણનું મહત્વ સમજાવ્યું.

અને વિવેકપૂર્વક આઇસ્ક્રીમને ન્યાય આપ્યા વિના ગયા.

મીનાબેન, કિરીટભાઇ, વિવેકભાઇ ખાસ બહારગામથી

આવી હાજરી આપી તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર…………

આ ઉપરાંત આવનાર સૌ મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર………

H.W. માં સૌને પોતાના અનુભવો પોતાની ભાષામાં પોતાના

blog પર મૂકવાનું કહ્યું છે.

વધુ આવતા અંકે………!!!

Thanks,

Pinki.

23.9.2007,   Sunday,   Ahmedabad.

Filed in MEETING, વિશેષ | Comments (1)

« Prev - Next »

Powered By Indic IME